ભારે દબાણની વીજ લાઈન રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યારે તે બાબત સુચીત કરતું બોર્ડ લગાવવું જરૂરી છે: સ્ટેટ કમિશન ઓફ ગુજરાત
આ માત્ર કોઈ એક કેસ ની વાત નથી પરંતુ વીજ કંપનીની જવાબદારી હોવા છતાં પણ કોઈ યોગ્ય તકેદારી દાખવવામાં આવતી નથી જેના કારણે કઈક અકસ્માતો સર્જાતા હોય છે, ગ્રામીણ ક્ષેત્રો હોય કે શહેરી ક્ષેત્રો હોય વીજ કંપની ની હાઇપર ટેન્શન વાયરો પસાર થતા હોય છે અને કેટલાક વિસ્તારોમાં ઘરની છત ઉપર થી પસાર થતાં હોય કે બાજુ માંથી આવી જીવલેણ લાઈનો પસાર થતી હોય છે, તેમછતાં વીજ કંપનીઓ તરફથી યોગ્ય દેખરેખ નો અભાવ જોવા મળતો હોય છે, અને વીજ કંપનીની ની બેદરકારીને કારણે રાજકોટ જિલ્લાના એક ગામની ૧૦ વર્ષીય દીકરી નું વીજ તારને અડી જવાથી તેનું મૃત્યુ થયું હતું જેથી દીકરી ના પિતાએ ન્યાય મેળવવા માટે રાજકોટ જિલ્લાના ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી અને દીકરીના મૃત્યુ માટે વીજ કંપનીને જવાબદાર ઠેરવી વળતરની માગણી કરી હતી.
ઘરની છત પરથી પસાર થતાં હાઈ વોલ્ટેજ વાયરો માટે PGVCLની જવાબદારી શું છે?
ફરિયાદ હકીકત :
ફરીયાદીની ફરીયાદ હકીકત એવી છે કે, ફરીયાદી ખેતીનો વ્યવસાય કરે છે અને રાજકોટ જીલ્લાના સરગામે રહે છે અને તેઓ પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડના ગ્રાહક નં.૩૪૮૪૬/૦૦૨૫૮/૬થી વીજ કનેકશન ધરાવે છે આથી તેઓ પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડના ગ્રાહક છે.
ફરીયાદીની પુત્રી માનસી કે જે આશરે દસ વર્ષની હતી. તે ફરીયાદીના ઘરના ધાબા ઉપર રમતી હતી તે વખતે ઘરની છત ઉપર થી પસાર થતાં એટલેકે ધાબાની બાજુમાંથી પસાર થતી પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડની હાયપર ટેન્શન વીજ લાઈન ઉપરથી પતંગ પસાર થતા તે લેવા જતાં ચોટી ગયેલ અને તેને શોટ લાગતાં હોસ્પીટલમાં લઈ જતાં મૃત જાહેર કરવામાં આવેલી. આથી ફરીયાદીએ સામાવાળા પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડની સામે જીલ્લા કમિશન રાજકોટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલી અને વિ.જીલ્લા કમિશને ફરીયાદી ની ફરીયાદ આંશીક રીતે ગ્રાહય રાખેલી અને તે હુકમથી નારાજ થઈને મુળ સામાવાળા એ હાલની અપીલ અપીલમાં જણાવેલ કારણોસર ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ ની કલમ-૧૫ હેઠળ આ અપીલ કરેલ છે.
એપેલેન્ટ (મૂળ સામાવાળા) ની દલીલો :
આ કેસ માં એપેલેંટ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે
- આ ફરિયાદ સાંભળવાની ગ્રાહક કમીશન ને હકૂમત નથી.
- આ ફરિયાદ પુરાવા વિષય સાથે સંકળાયેલી હોય સમરી પ્રોસેસિંગ તરીકે ચલાવી ન શકાય.
- ફરીયાદીની પુત્રી માનસી ઉ.વ.૧૦ની ઘરની છત ઉપર થી પસાર થતાં લાઈન ઉપર લોખંડના સળીયા વડે હાયપર ટેન્શન વીજ લાઈન ઉપરથી પતંગ કાઢવા જતi. મૃત્યુ પામેલ છે જે બાબત જીલ્લા કમિશને નજરઅંદાજ કરી છે.
- વધુમાં ભારપુર્વક દલીલ કરતાં એપેલેટ જણાવે છે કે, હાયપર ટેન્શન વીજ લાઈન સોસાયટી બન્યા પહેલા નાંખવામાં આવેલી હતી આથી સોસાયટી બની ત્યારે આ લાઈન ખસેડવા માટે અથવા તો પી.જી.વી.સી.એલ.ની મંજુરી લીધેલી હોય તેવો કોઈ દસ્તાવેજ રજુ કરવામાં આવ્યો નથી.
- રહેણાંકવાળી સોસાયટી એ ગેરકાયદેસર બાંધકામ છે. વધુમાં તેઓશ્રી જણાવે છે કે; ફરીયાદીની આ ફરીયાદને મીસજોઈન્ડર ઓફ પાર્ટીઝ અને નોન જોઈન્ડર ઓફ પાર્ટીઝનો બાધ નડે છે.
- કારણ કે, ફરીયાદીએ સોસાયટી અથવા તો સોસાયટી બનાવનાર ડેવલોપર, ઓગેનાઈઝર વિગેરેને પાર્ટી બનાવેલ નથી.
- ફરીયાદીની પુત્રી જયારે લોખંડના સળીયા વડે હાયપર ટેન્શન વીજ લાઈન ઉપરથી પતંગ ઉતારવા ગઈ અને અકસ્માત થયો તેવા સંજોગોમાં નેગલીજન્સી ફરીયાદી પક્ષે છે નહિં કે, સામાવાળા વીજ કંપની તરફે
- રાજકોટ જિલ્લા કમિશનનો હુકમ કુદરતી ન્યાય અને સમન્યાયના સિધ્ધાંત વીરૂધ્ધનો અને હકીકતોથી તેમજ કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતોથી વિરૂધ્ધ હોય રદ થવાને પાત્ર છે જેથી હાલની અપીલ ગ્રાહય રાખવા વિનંતી છે.
સામાવાળા ( મૂળ ફરીયાદી ) ની દલીલો :
રીસ્પોન્ડન્ટના તર્ફે પોતાની લેખિત દલીલમાં જણાવેલ છે કે,
- મૂળ ફરીયાદી સામાવાળાના ગ્રાહક છે. મૂળ ફરીયાદીની પુત્રી કે જે દસ વર્ષની હતી તે મૂળ સામાવાળાની હેવી પાવર લાઈન કે જે ફરીયાદીના ઘર ( ઘરની છત ઉપર થી પસાર થતાં ) નજીકથી ગેરકાયદેસર વીજ લાઇન નીકળતાં ફરીયાદની પુત્રીને શોટ લાગતાં મૂળ સામાવાળાની બેદરકારીથી ફરીયાદીની પુત્રી માનસીનું મૃત્યુ થયેલ છે.
- મુળ ફરીયાદીની પુત્રીનું અવશાન થતા તેમણે પોલીસમાં ફરીયાદ કરેલી.
- હાલના એપેલન્ટ ધ્વારા જરૂરી કાગળો ત્રણ દિવસ પછી કરવામાં આવેલા જે હાલના એપેલન્ટની બેદરકારી સાબીત કરે છે.
- એપેલન્ટ ઘ્વારા થયેલ કાર્યવાહીમાં એપેલન્ટે પોતાની જવાબદારીથી બચાવનું આયોજન માત્ર કરેલ છે જે તેમને માન્ય ન હોય તેવી દરેક નોંધનો તેઓ ઈન્કાર કરે છે.
- હાલના એપેલન્ટ ઘ્વારા થયેલ કાર્યવાહીની તપાસમાં એવું જણાઈ આવેલ છે કે, ન્યુટ્રલનું જોડાણ કરવામાં આવેલ નથી તેમજ અકસ્માત વખતે લાઈનમાં ટ્રેપિંગ નોંધાયેલ નથી જે ધ્વારા સાબીત થાય છે કે, નાગરીકોની સલામતી માટે લાઈનમાં પાવર સપ્લાય વખતે જરૂરી સલામતીના ટેકનીકલ પગલાંઓ લેવાયેલા નથી.
- આ સંજોગોમાં સ્પષ્ટરીતે માનસીના મૃત્યુની સામાવાળા વિભાગ ની સર્વે પ્રકારની જવાબદારી થાય.
- હાલના રીસ્પોન્ડન્ટ એટલે કે, મુળ ફરીયાદીના ઘર પાસેથી પસાર થતી હેવી લાઈન અગાસીની દીવાલથી સાવ નજદીક છે. મરનાર માનસીએ પોતાનો જમણો હાથ પતંગ લેવા અગાસીની બહાર કાઢયો હતો ત્યારે ભારે પવાર સપ્લાયના કારણે માનસીના હાથ ખેંચી લેવામાં આવેલ હતો અને માનસી વીજળીના દોરડા સાથે ચોટી ગયેલ હતી. આમ એપેલન્ટની બેદરકારી સાબીત થાય છે.
- હાલના એપેલન્ટ તરફથી કરવામાં આવેલ કાગળોમાં માનસી લોખંડના સળીયાથી પતંગ લેવા ગયેલ હોવાની વાત સદંતર ખોટી, બનાવટી અને ઉપજાવી કાઢેલ છે.
- હાલના એપેલન્ટની બેદરકારી, બેકાળજી અને પવાર સપ્લાઈ લાઈનનની યોગ્ય જાળવણી ન થવાના કારણે માનસીનું મૃત્યુ થયેલ છે. પેરાફીટ વોલથી ભારે દબાણવાળી વીજ લાઈન આશરે ૧ થી ૨ ફુટ દુર હતી ત્યારે દબાણની લાઈનમાં જીવંત તારમાં શોટ લાગેલ છે. હાલની અપીલના સામાવાળા એપેલન્ટના ગ્રાહક છે.
- હાલના સામાવાળાની પુત્રી માનસીના અવસાનથી જે નુકશાન થયેલ છે તેની જવાબદારી હાલના એપેલન્ટની છે .
- વધુમાં એવી દલીલ કરતાં જણાવે છે કે, વિ.જીલ્લા કમિશનનો હુકમ તમામ દસ્તાવેજી પુરાવાઓ તપાસી યોગ્ય રીતે આપવામાં આવેલ છે જેથી હાલની અપીલ રદ થવાને પાત્ર છે. એપેલન્ટે મુળ ફરીયાદીએ મકાન બનાવ્યા બાદથી હેવી લાઈન નાંખેલ છે અને વીજ કંપની દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન એપેલન્ટે કરેલ નથી એટલે કે, ભારે વીજ વાયર પસાર થતા હોય તો ચેતવણીનું બોર્ડ થાંભલા ઉપર મુકવામાં આવે છે. તેમજ વાયરો ઉપર કોટીંગ કરવું ફરજીયાત છે તેવા કોઈ નિયમોનું પાલન એપેલન્ટે કરેલ નથી કે તેવો કોઈ પુરાવો રજુ કરેલો નથી. આમ એપેલન્ટ ધ્વારા પ્રથમ દર્શનીયરીતે બેદરકારી દાખવેલી છે. મુળ ફરીયાદીની પુત્રીને ઈલેકટ્રીક શોટ લાગવાથી મૃત્યુ થયુ છે.
- પંચનામું સ્થાનીક જગ્યા પર કરવામાં આવેલ નથી.
- આમ એપેલન્ટની હાલની અપીલ રદ કરી વિ.જીલ્લા કમિશનનો હુકમ યથાવત રાખવા વિનંતી.
કમીશન ના તારણો :
ઉપરોક્ત પક્ષકારોના વિ.વ.શ્રીઓની માખિક તેમજ લેખિત દલીલો, વિ.રાજકોટ (એડીશનલ) જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો હુકમ, રજુ થયેલ દસ્તાવેજી પુરાવા, તથા રજુ થયેલ ચુકાદાઓ લક્ષમાં લીધા.
આ કેસ નિર્ણીત કરવા માટે જે બાબતો બીન વિવાદીત છે તે એવી છે કે, ફરીયાદીના ઘરની છત ઉપર થી પસાર થતાં આ ભારે દબાણનો વીજ તાર પસાર થાય છે તેમાં ફસાયેલ પતંગ લેવા માટે ફરીયાદીની દસ વર્ષની દીકરી નામે માનસી વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયેલ છે.
એપેલન્ટ વીજ કંપનીના વિ.વ.શ્રીની મુખ્ય દલીલ એવી છે કે, સોસાયટીનું બાંધકામ થયા પહેલાથી ભારે દબાણના વીજ વાયરો આ જગ્યાએથી પસાર થતા હતા અને સોસાયટી બનાવતી વખતે કે, સામાવાળાના ઘરનું બાંધકામ કરતી વખતે વીજ કંપનીની પરવાનગી લેવામાં આવી નથી કે વીજ કંપનીને કે અન્ય ઓથોરીટીની પરવાનગી હોવાથી ભારે દબાણના વાયરો ખસેડી લેવા માટે કોઈ જાણ કરવામાં આવી નથી. આથી સોસાયટીનું બાંધકામ ગેરકાયદેસર ગણાય અને આથી વીજ અકસ્માત અંગે વીજ કંપનીની કોઈ જવાબદારી રહેતી નથી.
એપેલન્ટ વીજ કંપનીએ જે બાબતે મુખ્ય દલીલ તરીકે લીધી છે તે તેઓના પ્લીડીંગમાં કયાંય લેવામાં આવી નથી. વીજ કંપનીએ જીલ્લા કમિશન સમક્ષ રજુ કરવામાં આવેલ રીટન સ્ટેટમેન્ટ (જવાબ) જોવામાં આવે તો આ બાબતનો ક્યાંય ઉલ્લેખ નથી કે તેને લગતો કોઈ પુરાવો રજુ કરવામાં આવ્યો નથી. સોસાયટી બંધાયા પહેલાથી આ જગ્યાએથી ભારે દબાણના વીજ વાયરો પસાર થતા હોવાની હકીકતને કોઈ પુરાવાથી અનુમોદન આપી શકાયુ નથી. તેમજ આ બાબત પ્લીડીંગમાં ન હોય તેને બચાવ તરીકે ગ્રાહય રાખી શકાય નહીં.
વીજ કંપનીની ભારે દબાણની લાઈન જે વિસ્તારમાંથી પસાર થતી હોય તે અંગેના વીજ કંપનીના કેટલાક મેન્ટનન્સ માટેના ધારા-ધોરણો અને નિયમાં હોય છે આ નિયમો વીજ કંપનીએ રજુ કર્યા નથી. જયારે ભારે દબાણની વીજ લાઈન રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યારે તે બાબત સુચીત કરતું બોર્ડ લગાવવું જરૂરી છે તેમજ રહેણાંક વિસ્તારમાંથી પસાર થતાં વાયરો કોટેડ હોવા જોઈએ તેમજ આ પ્રકારની વીજ વ્યવસ્થાનું સમયાંતરે ઓડીટ થતું હોય તે પ્રમાણે મેન્ટનન્સ થવું જોઈએ. ભારે દબાણના વીજ વાયરો જે જગ્યાએથી પસાર થતા હોય તે જગ્યા ગ્રાઉન્ડ લેવલથી અથવા તો બાંધકામથી વાયરો કેટલી ઉચાઈએ રાખવા તે અંગેના કેટલાક નિયમો છે જેનું વીજ કંપનીએ પાલન કર્યુ હોય તેવું રેકર્ડ ઉપર આવતું નથી.
ફરીયાદીની પુત્રી ઘરની છત ઉપર થી પસાર થતાં વીજ તાર ઉપર થી તેના ધાબા ઉપરથી હાથ લંબાવીને પતંગ લેવા જતા વીજ વાયરને ચોટી જવાની બાબત રેકર્ડ ઉપર આવે છે તેમજ અન્ય આધારો જોતાં ફલીત થાય છે કે, ફરીયાદીના ધાબાથી વીજ વાયરોની દૂરી ફકત બે ફૂટ જેટલી હતી. આ બાબત વીજ કંપનીની સેવામાં ખામી દર્શાવે છે.
સરકારશ્રી ધ્વારા નિયુક્ત કરેલા વિદ્યુત નિરીક્ષક રાજકોટ તરફથી સ્થળ મુલાકાત ઉપરની નોંધમાં દર્શાવવામાં આવ્યુ છે કે, સદર મકાનના ધાબાની પેરાફીટ વોલ થી ભારે દબાણ ના વાયરોની વીજ લાઈન આશરે બે ફુટ ઉપર આવેલી છે. વધુમાં એપેલન્ટ વીજ કંપનીની દલીલ એવી છે કે, લોખંડના સળીયા વડે ફરીયાદીની પુત્રી પતંગ ઉતારવા જતાં આ અકસ્માત બનવા પામેલ છે. પરંતુ આ બાબતે કોઈ પુરાવો રેકર્ડ ઉપર આવતો ન હોય તેમ લક્ષમાં રાખી શકાય નહીં.
એપેલન્ટ તરફે એવી પણ દલીલ છે કે, ફરીયાદીની ફરીયાદને નોન જોઈન્ડર ઓહ પાર્ટીઝ અને મીસ જોઈન્ડર ઓફ પાર્ટીઝનો બાદ્ય નડે છે આ સોસાયટીને તેમજ સોસાયટીના ડેવલોપર્સને કે ઓર્ગેનાઈઝરને પાટી તરીકે જોડવા જોઈતા હતા તેવી દલીલ છે પરંત ફરીયાદીએ જયારે કોઈપણ પ્રકારની દાદ સોસાયટી, કે સોસાયટીના ડેવલોપર્સ કે ઓર્ગેનાઈઝર પાસેથી માંગી નથી અને ફરીયાદીની દાદ જયારે વીજ કંપની સમક્ષની છે તેવા સંજોગોમાં ફરીયાદીની કરીયાદને નોન જોઈન્ડર ઓફ પાર્ટીઝ કે મીસ જોઈન્ડર ઓડ પાર્ટીઝનો બાદ્ય નડતો નથી. એપેલન્ટના કહેવા પ્રમાણે સામાવાળા (મુળ ફરીયાદી)ની સોસાયટીએ વીજ કંપનીની પરમીશન લીધા વીના સોસાયટી બાંધેલી હોય સોસાયટીને પાટી તરીકે જોડવા જરૂરી છે. પરંતુ દાવામાં સોસાયટીને કે સોસાયટીના ડેવલોપર્સને કે ઓર્ગેનાઈઝરને પાર્ટી તરીકે જોડવા માટે વીજ કંપની પણ અરજી કરી શકયા હોત, પરંતુ આવી કોઈ અરજી વીજ કંપની ધ્વારા આપવામાં આવી નથી અને વીજ કંપનીએ કોઈ સ્વતંત્ર પુરાવો રજુ કરીને ભારે દબાણના વીજ વાયરો સોસાયટી બન્યા પહેલાથી પસા - થતા હોવાની હકીકતને પ્લીડીંગ અને પુરાવા ધ્વારા સાબીત કરી શકેલ નથી તેવા સંજોગોમાં ફરીયાદીની ફરીયાદને નોન જોઈન્ડર ઓફ પાર્ટીઝ કે મીસ જોઈન્ડર ઓફ પાટીઝનો બાધ નડતો નથી.
એપેલન્ટ વીજ કંપનીએ વળતરની રકમ અંગે કોઈ વાંધો ઉઠાવેલ નથી તેવા સંજોગોમાં અને જયારે ફરીયાદીએ એન્હાન્સમેન્ટ માટેની કોઈ અપીલ કરી નથી તેવો સંજોગોમાં વિધ્વાન જીલ્લા કમિશને અપાવેલ વળતર યોગ્ય અને વ્યાજબી હોવાનું પ્રસ્થાપિત થાય છે. અને તેથી એપેલન્ટની અપીલ ચાલવા પાત્ર નથી. આથી વિધ્વાન જીલ્લા કમિશ- ધ્વારા આપવામાં આવેલ કારણો અને તારણો યોગ્ય, ન્યાયિક હોય તેમાં હસ્તક્ષેપ કરવા પાત્ર નથી, તેથી અપીલ રદ થવાપાત્ર છે ન્યાયના હિતમાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
શું હુકમ :
(૧) એપેલેન્ટની અપીલ નં. ૩૦૯/૨૦૧૮ નામંજુર કરવામાં આવે છે.
(૨) વિધ્વાન રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (એડીશનલ) ધ્વારા ગ્રાહક ફરીયાદ નં. ૩૫૧/૨૦૧૪ ના કામે તા. ૨૮-૨ ૨૦૧૮ ના રોજ કરવામાં આવેલ હુકમ કાયમ કરવામાં આવે છે.
(૩) અપીલના ખર્ચ અંગે કોઈ હુકમ કરવામાં આવતો નથી.
(૪) અપીલના કામે એપેલન્ટે જો કોઈ રકમ જમા કરાવેલ હોય તો તેઓએ અપીલ નં.૩૦૯/૨૦૧૮ દર્શાવી પોતાની રકમ પરત મેળવવા માટે રકમ જમા કરાવ્યા તારીખ, રકમ, રીસીપ્ટ નંબર સાથે તથા રીફંડની રકમ જે બેંકમાં જમા મેળવવાની હોય તે બેંકનું નામ, સરનામું, IFSC/code, એકાઉન્ટ નંબર વગેરે વિગતો દર્શાવી અરજી આ કમિશનના એકાઉન્ટ સેકશનમાં આપવાની રહેશે, એકાઉન્ટ સેકશનને આદેશ કરવામાં આવે છે કે જો કોઈ રકમ જમા કરાવેલ હોય તે રકમની યોગ્ય ચકાસણી અને ખાતરી કરી તથા તેવી કોઈ જા રકમ ઉપર જે કોઈ વ્યાજ થય હોય તે વ્યાજ સહિતની રકમ એપેલન્ટના ખાતામાં આર.ટી.જી.એસ.થી જમો આપવાની કાર્યવાહી કરવી.
(૫) આ ચુકાદાની નકલ પક્ષકારોને વિના મુલ્યે મોકલી આપવી.
(૬) ૨જીસ્ટ્રીને એવી પણ સૂચના આપવામાં આવે છે કે, વિધ્વાન રાજકોટ જીલ્લા ગ્રાહર તકરાર નિવારણ ફોરમ (એડીશનલ)ને આ હુકમની નકલ પી. ડી. એફ. ફોર્મેટમાં ઈ મેઈલથી જરૂરી કાર્યવાહી કરવા માટે મોકલી આપશો.
કોરમ :
શ્રી ડો.જે.જી.મેકવાન, પ્રિસાઈડીંગ મેમ્બર શ્રી.
સુ.શ્રી અર્ચનાબેન સી.રાવલ.મેમ્બરશ્રી
કેસનું શીર્ષક :
ડેપ્યુટી એન્જિનિયર (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)
સરધાર સબ ડિવિઝન.
Vs
હસમુખભાઈ રાજપૂત.
Thanks for your valuable response.